રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની જૂનાગઢ જેલમાં તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોપટ સોરઠિયા હત્યાકેસમાં હાલ જેલમાં સજા ભોગવી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને હૃદય સંબંધિત તકલીફ ઊભી થતાં આ પગલું લેવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિરુદ્ધસિંહને હૃદયને લગતી ફરિયાદ થતાં તેમને જૂનાગઢ જેલમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ એન મહેતા કાર્ડિયાક વિભાગમાં લાવવામાં આવ્યા હતા. અહીં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.


અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમાં તબિયત લથડી

મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને તબીબો દ્વારા તેમની સ્થિતિ સ્થિર જણાવાયા બાદ, અનિરુદ્ધસિંહ જાડેજાને ફરીથી જૂનાગઢ જેલમાં પરત લઈ જવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહને હોસ્પિટલે લાવવામાં આવ્યા તે સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હૃદયની તકલીફ થતા રાજકોટ સિવિલમાં લવાયા

અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ પોપટલાખા સોરઠિયા હત્યા કેસ અને અમિત ખૂંટ આપઘાત કેસ સહિતના મામલે ચર્ચામાં રહેલું છે. તેઓ પોપટ સોરઠિયા હત્યાકેસમાં હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. આ કેસ 15 ઓગસ્ટ 1988ના દિવસે ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરી હતી. 22 વર્ષની ઉંમરે તેમણે આ ગુનો આચર્યો હતો.

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જેલમાં

અગાઉ 2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે દ્વારા તેમને સજા માફી આપવામાં આવી હતી, જોકે તાજેતરમાં (18 સપ્ટેમ્બરના રોજ) પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાના અંતિમ દિવસે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત પણ મળી હતી. જોકે, હાલમાં જેલવાસ દરમિયાન હૃદયની તકલીફ થતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ તંત્ર દ્વારા તેમને ફરી જૂનાગઢ જેલ મોકલી દેવામાં આવ્યા છે.

  • Follow us on: