ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પરનો આર્થિક બોજ સતત વધી રહ્યો છે, જેના પગલે વધુ એક ખેડૂતે હતાશ થઈને જીવન ટૂંકાવ્યાની હૃદયદ્રાવક ઘટના રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાંથી સામે આવી છે.કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે રહેતા ૫૦ વર્ષીય ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયાએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિલીપભાઈએ આ ગંભીર પગલું ભર્યું તેનું મુખ્ય કારણ કમોસમી વરસાદને કારણે થયેલું ભારે નુકસાન હતું.
પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતનો આપઘાત
તાજેતરમાં થયેલા માવઠાના કારણે દિલીપભાઈના ખેતરમાં ઉભેલા મગફળી, ડુંગળી અને કપાસ સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. પાક નિષ્ફળ જવાથી તેમની માથે મોટો આર્થિક બોજ આવ્યો હતો અને દેવાના ડરથી તેઓ માનસિક તાણમાં હતા. આ આર્થિક બોજ અને નિષ્ફળતા સહન ન થતાં આખરે તેમણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતના આ પગલાથી સમગ્ર અરડોઈ ગામ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










