રાજકોટ જિલ્લા પંચાયતની ભાડલા બેઠકના મહિલા સભ્ય રમીલાબેન મેર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખવામાં આવ્યો છે. વર્તમાન સમયની વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના માનદ વેતન તેમજ ભથ્થામાં યોગ્ય વધારો કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ પત્ર સામે આવતાની સાથે જ રાજકીય અને પંચાયતી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
વિકાસલક્ષી કામો અને સભ્યો દ્વારા થતા ખર્ચ અંગે રજૂઆત
પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પોતાના મતવિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો માટે વિશેષ સમય ફાળવવો પડતો હોય છે. આ દરમિયાન લોકસંપર્ક અને મુસાફરી પાછળ મોટો આર્થિક ખર્ચ પણ થતો હોય છે. સભ્યોને તેમની ઉત્સાહભેર કામગીરીમાં યોગ્ય પ્રોત્સાહન મળી રહે અને તેઓ આર્થિક મુશ્કેલી વગર જનસેવા કરી શકે તે માટે માનદ વેતનમાં વધારો કરવો અત્યંત જરૂરી છે.


