રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેનાથી અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત મળશે. સરકારે મેળા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે, જેમાં અનેક નિયમો હળવા કરવામાં આવ્યા છે.
મેળામાં RCC ફાઉન્ડેશન ફરજિયાત નહીં
સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય એ છે કે, હવે મેળામાં દુકાનો કે સ્ટોલ માટે RCC (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. અગાઉ આ નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચ અને સમય બંનેનો વ્યય થતો હતો. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ (માટી પરીક્ષણ) રિપોર્ટ માન્ય રાખવામાં આવશે. આ નિર્ણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.
અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે
સરકાર દ્વારા જાહેર કરાયેલી SOP માં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મેળા સંબંધિત કેટલાક અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર (મહાનગરપાલિકા કે જિલ્લા વહીવટીતંત્ર) પોતાની વિવેકબુદ્ધિ મુજબ લઈ શકશે. આનાથી સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ નિયમોમાં ફેરફાર કરવાની છૂટ મળશે, જે મેળાના સુચારુ સંચાલન માટે મદદરૂપ થશે. આ નિર્ણયો આગામી રાજકોટ લોકમેળાના આયોજનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને આયોજકો માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.









