રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં આવેલા પલટા અને ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. દિવાળી અને તહેવારોના દિવસો પસાર થયા બાદ કેસોમાં ધરખમ વધારો થતાં હવે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે.
રાજકોટમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2897 દર્દીઓ નોંધાયા. ડેન્ગ્યુના નવા 8 કેસ નોંધાયા. કમળાના (Hepatitis) 4 કેસ નોંધાયા. દિવાળીના પ્રથમ સપ્તાહથી જ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો દરમિયાન લોકોએ બહારનો ખોરાક વધુ પ્રમાણમાં લીધો હોવાથી અને વાતાવરણમાં ફેરફાર થવાથી રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે.










