રાજકોટ શહેરના રૈયા રોડ પર 21 જૂનના રોજ એક સગીર વયના કાર ચાલકે સર્જેલા ગંભીર અને ભયાનક અકસ્માતનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચલાવનાર સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહીનો સંતોષ માની લીધો છે. જો કે, કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં, સગીર વયના પુત્રને આટલી જોખમી રીતે કાર ચલાવવા આપનાર તેના પિતા વિરુદ્ધ હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં ન આવતાં સ્થાનીકો અને સોશિયલ મીડિયા પર અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.


દિલધડક સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

આ અકસ્માતની સમગ્ર ઘટનાના અત્યંત કાળજું કંપાવનારા અને રુંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયોમાં સગીરની બેફામ કાર જે રીતે ભયાનક અકસ્માત સર્જે છે તે જોતા આ મામલામાં કડક દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. લોકમુખે ચર્ચા છે કે શું આ મામલામાં કાર ચાલકના પિતાને બચાવવા માટે પોલીસ પર કોઈ રાજકીય કે આર્થિક દબાણ કામ કરી રહ્યું છે? બીજી તરફ પોલીસ અધિકારીઓ હજુ પણ એવું જ રટણ કરી રહ્યા છે કે "તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિનું નામ કે બેદરકારી ખુલશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે 'ખાસ ડ્રાઇવ'

આ ગંભીર રોડ રેજ અને અકસ્માતની ઘટના બાદ એસીપી દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે સગીર વયના બાળકો વાહનો ન ચલાવે અને વાલીઓ પણ તેમને વાહનો આપવાનું ટાળે તે માટે શહેરમાં કડક ચેકિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની કાળજું કંપાવનારી દુર્ઘટનાઓ બીજી વખત ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા ટૂંક જ સમયમાં એક 'ખાસ ડ્રાઇવ' યોજીને સગીર વાહનચાલકો અને તેમના વાલીઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: