રાજકોટમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી વસતા નાગરિકો દ્વારા આજી ડેમ ખાતે પવિત્ર છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહીને સૂર્યદેવને અલગ-અલગ ફળ ધરાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી હતી. બિહારથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, આ અમારો સૌથી મોટો તહેવાર છે, જેમાં અમારી માતાઓ અને બહેનો ત્રણ દિવસ સુધી નિર્જળ ઉપવાસ રાખીને ઉગતા અને આથમતા સૂર્યની પૂજા-પ્રાર્થના કરે છે.
ઔદ્યોગિક નગરી જેતપુરમાં ભાદર કાંઠે ઉત્સવ
ઔદ્યોગિક શહેર જેતપુરમાં લગભગ ચાલીસેક હજાર જેટલા પરપ્રાંતીય કારીગરો સાડીઓના કારખાનામાં મજૂરી કામ કરીને વસવાટ કરે છે. આ તમામ ઉત્તર ભારતીય કારીગરો અને પરિવારો દ્વારા ભાદર નદીના કાંઠે સૂર્ય પૂજા કરીને પરંપરાગત છઠ પૂજાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ફટાકડાની આતશબાજી કરીને ભક્તોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

