રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. પેટમાં ગાંઠના ઓપરેશન માટે આવેલા દર્દી દિલીપ બારોટ ની છાતીમાં કાપો મૂકીને તાર નાખવામાં આવ્યો હોવાનો અને તાર બહાર કાઢવાને બદલે છાતીમાં જ રાખી દેવાયો હોવાનો પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીને છાતીમાં દુખાવો થતાં હાલ તેમને સર્જિકલ વિભાગ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ટાંકા લીધા વિના માત્ર સાદું ડ્રેસિંગ કરીને તાર અંદર જ છોડી દેવાયો હોવાના આક્ષેપ સાથે તબીબોની કામગીરી અને જવાબદારી સામે સવાલો ઊભા થયા છે.
પુત્ર સંજય બારોટના આરોપ અને સ્ટાફને સસ્પેન્ડ કરવા માગ
આ મામલે દર્દીના પુત્ર સંજય બારોટ એ ગંભીર આક્ષેપો કર્યા છે કે પિતાના પેટમાં ગાંઠનું ઓપરેશન કરાવવા તેઓ આવ્યા હતા. ઓપરેશન પહેલાં હાથમાં વેન નાખવાના 10 થી 15 પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ છાતીમાં તાર નાખવામાં આવ્યો હતો, પરંતુ બહાર કાઢતી વખતે તે ગૂંચવાઈ જતાં બહાર નીકળી શક્યો નહોતો. રજૂઆત કરવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળ્યા અને અમદાવાદ માં સારવાર લેવા જવાનું કહેવાયું હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે, સાથે જ જવાબદાર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે.

