રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સના દૂષણ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. અગાઉ પકડાયેલા 204 કિલોગ્રામ ગાંજાના ચકચારી પ્રકરણમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓ અંગે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ નજીક આવેલા હડાણા ગામના પાટીયા પાસે વોચ ગોઠવીને મુખ્ય આરોપી અમિત કતિયાર અને સિકંદર કતિયારને ઝડપી પાડ્યા છે.
ગાંજાના ચકચારી પ્રકરણમાં આરોપી ઝડપાયા
આ બંને આરોપીઓ 204 કિલો ગાંજાના મોટા જથ્થા સાથે સીધી રીતે સંકળાયેલા હતા અને પોલીસ પકડથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ અમિત કતિયાર અને સિકંદર કતિયાર ઓડિશા રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવતા હતા. ત્યારબાદ આ જથ્થો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પેડલરોને પહોંચાડીને નેટવર્ક ચલાવતા હતા.
