કમોસમી વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોનો તૈયાર પાક વરસાદમાં પલળી ન જાય તે હેતુથી આવતીકાલે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને અડદની આવક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.


રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ

યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ખુલ્લામાં ખેતપાક ઉતારવા દેવામાં આવતો નથી, જેથી જો વરસાદ પડે તો ખેતપેદાશોને નુકસાન ન થાય. યાર્ડમાં પડેલા મગફળી, સોયાબીન અને અડદના પાકનો નિકાલ થયા બાદ જ ખેડૂતોને ફરીથી આ જણસીઓ વેચાણ માટે લાવવા દેવામાં આવશે.

અન્ય જણસીની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે 

જોકે, રાહતની વાત એ છે કે અન્ય જણસીઓની હરાજી અને વેચાણની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આ નિર્ણયથી ખેડૂતોને પોતાના મૂલ્યવાન પાકને વરસાદથી થતા નુકસાનમાંથી બચાવવામાં મદદ મળશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ખેડૂતોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. 

  • Follow us on: