રાજકોટ શહેરમાં દારૂડિયાઓને મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આ આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી, નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો.
આરોપીએ વીડિયોમાં કરી પોતાની મોડસ ઓપરેન્ડીની કબૂલાત
આરોપી 'અનીશ હિંગોરા' કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લીકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવવા માટે વેચતો હતો. દારૂના શોખીનોને બ્રાન્ડના નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવીને અનીશ હિંગોરા મોટો આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો.
