આગામી તહેવારોની મોસમ પૂર્વે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ ગૃહિણીઓ માટે અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે રાજકોટ ખાદ્યતેલ બજારમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારો ટાણે જ તેલના ડબ્બાના ભાવમાં નરમાઈ આવતાં રસોડાનું બજેટ સંતુલિત બનશે, જેને લઈને ગૃહિણીઓએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.
સીંગતેલમાં ₹20 અને કપાસિયા તેલમાં ₹15 નો ઘટાડો
સ્થાનિક તેલબજારના વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં ખાદ્યતેલની આવક અને માંગના સંતુલનને કારણે ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આજના ઘટાડા બાદ રાજકોટ બજારમાં તેલના ડબ્બાના નવા ભાવ આ મુજબ રહ્યા છે:સીંગતેલ: સીંગતેલના 15 કિલોના ડબ્બામાં સીધો રૂપિયા 20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ હવે સીંગતેલ પ્રતિ ડબ્બાનો ભાવ ઘટીને ₹2,860 થી ₹2,910 ની સપાટીએ પહોંચ્યો છે. કપાસિયા તેલ: ગુજરાતમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ પ્રતિ ડબ્બે રૂપિયા 15 નો ઘટાડો નોંધાયો છે. જેથી હવે કપાસિયા તેલનો ભાવ પ્રતિ ડબ્બો ₹2,585 થી ₹2,625 થયો છે.
