આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો પહેલા જ સામાન્ય જનતા અને ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકાયો છે. બજારમાં સિંગતેલના ડબ્બામાં રૂ. 35નો સીધો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવારોની મોસમ શરૂ થતાં પહેલાં જ તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચતાં સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે.
સિંગતેલ રૂ. 2,925 અને કપાસિયા તેલ રૂ. 2,825ની સપાટીએ
ભાવવધારા બાદ હવે બજારમાં સિંગતેલના નવા ભાવ રૂ. 2,925 પહોંચી ગયા છે. તેવી જ રીતે ગૃહિણીઓમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલનો ડબ્બો પણ વધારા સાથે રૂ. 2,825ની નવી સપાટીએ પહોંચી ગયો છે. અચાનક આવેલા આ ભાવવધારાથી મિલરો અને વેપારીઓ તો લાભ મેળવશે, પરંતુ તહેવારોમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાનો પ્લાન કરી રહેલા ગૃહિણીઓ પર આર્થિક બોજ વધી ગયો છે.

