આગામી દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રસોડાના મુખ્ય ખર્ચ સમાન ખાદ્યતેલના બજારમાં તેજીનો ટોન સતત યથાવત જોવા મળી રહ્યો છે. તહેવારોની મોસમમાં ફરસાણ અને મીઠાઈની ખરીદી વધતાં સિંગતેલ, કપાસિયા, પામોલીન તેમજ સોયાબીન સહિતના તમામ તેલના ભાવમાં એકાએક મોટો ઉછાળો નોંધાયો છે. સિંગતેલના ડબ્બામાં સીધો રૂપિયા ૭૦ નો વધારો થતાં ડબ્બાનો ભાવ રૂપિયા 3,050 ની સપાટીએ પહોંચી ગયો છે.

સિંગતેલ ₹3,050 પહોંચ્યું, કપાસિયા અને સનફ્લાવરમાં પણ તેજી

ખાદ્યતેલ બજારમાં વિવિધ તેલના નવા ભાવ  સિંગતેલના 15 કિલોના ડબ્બામાં ₹70 નો વધારો થતાં ભાવ ₹2,950 થી વધીને ₹3,050 સુધી પહોંચી ગયો છે.ગુજરાતમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના 15 કિલો ડબ્બાના ભાવમાં ₹25 નો વધારો નોંધાતાં નવો ભાવ ₹2,670 થી ₹2,700 ની સપાટીએ પહોંચ્યો છે.સનફ્લાવર તેલના ભાવમાં પણ ડબ્બે ₹25 નો વધારો થયો છે, જ્યારે પામોલીન અને સોયાબીન તેલમાં પણ મજબૂત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગત મહિને રાહત મળ્યા બાદ ફરી કેમ વધ્યા ભાવ?

ઓઇલ મિલરો અને માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવ વધારા પાછળના મુખ્ય કારણો  માર્કેટ યાર્ડ્સમાં જૂની મગફળીની આવક નહિવત થઈ ગઈ છે, જેના કારણે પીલાણ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. દિવાળીના તહેવારોને કારણે ખાદ્યતેલની માગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.ગત મહિને સિંગતેલ અને કપાસિયા તેલમાં ₹150 થી ₹200 નો નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ તહેવારોની ખરીદી નીકળતાં બજાર ફરી ગરમ થઈ ગયું છે.

નવી મગફળીની આવક બાદ જ રાહતની આશા

વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની વિપુલ પ્રમાણમાં આવક શરૂ નહીં થાય ત્યાં સુધી એટલે કે દિવાળી સુધી તેલના ભાવ ઊંચી સપાટી પર જ રહેવાની શક્યતા છે. ખેડૂતો તરફથી નવા પાકની પૂરતી આવક શરૂ થયા બાદ જ ખાદ્યતેલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. હાલના તબક્કે તહેવારો ટાણે જ તેલના ભાવ વધતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો:Ahmedabad: MPના ચકચારી લેપા ભાડેસા હત્યાકાંડનો મુખ્ય આરોપી રામુ તોમર ઝડપાયો; ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી દબોચ્યો