રાજકોટ શહેરમાંથી સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપીને એક વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કર્યા હતા. ગઠિયાઓએ મહિલા પર કાનૂની કાર્યવાહી અને ધરપકડનો ભય બતાવીને તેમને સળંગ એક સપ્તાહ (7 દિવસ) સુધી પોતાના ઘરમાં જ 'ડિજિટલ અરેસ્ટ' કરી રાખ્યા હતા. આ માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ ગઠિયાઓએ વૃદ્ધા પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 55.5 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે વધુ 43 લાખ ટ્રાન્સફર થતાં અટકાવ્યા
રૂ.55.5 લાખ પડાવી લીધા બાદ પણ સાયબર ઠગોની લાલચ સંતોષાઈ ન હતી અને તેમણે વૃદ્ધા પાસે વધુ રૂપિયા 43 લાખની માગણી કરી હતી. આ દરમિયાન મુંબઈ ખાતે રહેતી વૃદ્ધાની પુત્રીને આ સમગ્ર મામલાની જાણ થતાં જ બનાવનો પર્દાફાશ થયો હતો. પુત્રીએ ત્વરિત વિવેક વાપરીને આ અંગે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને રાજકોટ પોલીસની ટીમ તાત્કાલિક વૃદ્ધાના ઘરે પહોંચી ગઈ હતી અને વધુ રૂ.43 લાખ ગઠિયાઓના ખાતામાં જતા અટકાવી લીધા હતા.
