રાજકોટમાં શરૂ થયેલા વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો.આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.

મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડ્યો
લોકમેળામાં સાતમ આઠમની રજા હોવાથી હવે વધારે લોકો મુલાકાત લઈ રહ્યાં છે. બીજી તરફ તહેવારોમાં લોકોને ઉપવાસ હોય અને શ્રાવણ મહિનો આખો ઉપવાસ કર્યા હોય તે લોકો પણ મેળાની મજા માણવા આવતા હોય છે. હવે મેળામાં જે ફૂડ સ્ટોલ લાગેલા છે ત્યાં ફરારી વાનગીઓ પર વેચાઈ રહી છે અને લોકો હોંશે હોંશે ખાઈ પણ રહ્યાં છ. ત્યારે મનપાના આરોગ્ય વિભાગની ટીમે મેળામાં વેચાઈ રહેલી ખાદ્ય સામગ્રીને લઈને એક્શન શરૂ કરી છે. લોકમેળામાં ત્રીજા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમે સઘન ચેકિંગ હાથ ધરીને મોટા પ્રમાણમાં અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

આઠમના ઉપવાસ તૂટે તેવી ફરાળી વસ્તુઓનું વેચાણ
આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે લોકોના આઠમના ઉપવાસ તૂટે તે રીતે ફરાળના નામે ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું.આરોગ્ય વિભાગે ફરાળી ચિપ્સને વધુ કરકરી બનાવવા માટે તેને ચોખાના લોટના દ્રાવણમાં ડૂબાડવામાં આવતી હોવાનું પકડી પાડ્યું હતું. લોકમેળામાં ફરાળી વાનગીઓના નામે થતી આ ગંભીર ભેળસેળને કારણે શ્રદ્ધાળુઓનો ઉપવાસ તૂટી શકે તેવી સ્થિતિ નિર્માણ પામતાં તંત્રે ખાણીપીણીના સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી.
આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!