રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ચોરડી ગામે ગૌચરની જમીન બચાવવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્રમક તેમજ અનોખા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગૌચર જમીનમાં જેટકો (JETCO) કંપની દ્વારા વીજપોલ (ટ્રાન્સમિશન ટાવર) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જમીનનું અસ્તિત્વ અને પશુઓ માટેનું ગૌચર બચાવવા માટે સમગ્ર ગામના ખેડૂતો એકજૂટ થયા છે. પોતાના વિરોધને અનોખી રીતે વ્યક્ત કરવા માટે ખેડૂતોએ એકઠા થઈને જેટકો કંપનીનું સાંકેતિક 'બેસણું' યોજીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
વીજપોલની કામગીરી તાત્કાલિક અટકાવવા ખેડૂતોની માંગ
ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ગૌચરની જમીનમાં કાયદાકીય જોગવાઈઓ અને સ્થાનિકોના હિતોને નેવે મૂકીને વીજપોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેના કારણે પશુધનના ચરાણ માટેની જમીન છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોએ ચાલી રહેલી તમામ કામગીરી તાત્કાલિક અસરથી અટકાવી દેવાની ઉગ્ર માંગ કરી છે. આ અનોખા વિરોધ પ્રદર્શનના કારણે સમગ્ર ગોંડલ પંથકમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
