રાજકોટમાં ગુનાખોરી નિયંત્રણ માટે બહાર પાડવામાં આવેલા ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના જાહેરનામાના ભંગ બદલ પ્રથમ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ઢેબર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વિનાની કારમાં ઈંધણ પુરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં નિયમનો ભંગ કરનાર પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ તેમજ નંબર પ્લેટ વગર કાર લઈને આવેલા ચાલક જયભાણ ગઢવી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભક્તિનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર દાખલ કર્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાર ચાલક અને પેટ્રોલ પંપના કર્મચારી બંનેની અટકાયત કરી લીધી છે. શહેરમાં જાહેરનામું બહાર પડ્યા બાદ અમલીકરણના ભાગરૂપે નોંધાયેલી આ પહેલી સત્તાવાર ફરિયાદ છે, જેને પગલે અન્ય પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ભારે સન્નાટો વ્યાપી ગયો છે.
