આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયા હતાં.
જે.ડી. સોલંકીએ ભાજપને અલવીદા કહ્યું
કોડીનાર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જે.ડી.સોલંકી હવે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.દાયકાઓ સુધી ભાજપ પક્ષમાં સક્રિય રહેલા જે.ડી.સોલંકીએ હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.વર્ષ 2012ની ચૂંટણીમાં તેઓ કોડીનાર વિધાનસભા બેઠક પરથી વિજય મેળવીને ધારાસભ્ય બન્યા હતા.તે સમયગાળા દરમિયાન તેમણે સરકારમાં સંસદીય સચિવ તરીકે પણ કામગીરી નિભાવી હતી.લાંબા સમય સુધી સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહ્યા બાદ તેમનો આ નિર્ણય સ્થાનિક સ્તરે અત્યંત સૂચક માનવામાં આવી રહ્યો છે.
