રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલા આશાપુરા ગાર્ડન નજીક આશાપુરા ડેમ કાંઠે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. મૂળ દાહોદના કંબોઈ ગામના અને હાલ ગોંડલમાં મજૂરીકામ કરતા પરિવારના 7 વર્ષીય બાળક અવિનાશ અનિલભાઈ કટારા સાંજે 6 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ડેમ કાંઠે સ્નાન કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.

ભત્રીજાને બચાવવા જતાં કાકા પણ ડૂબ્યા

ભત્રીજાને પાણીમાં ડૂબતો જોઈને તેને બચાવવા માટે તેના 19 વર્ષીય કાકા રામુ મગનભાઈ લીંબાએ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ડેમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે અને ઊંડાણ હોવાથી કાકા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બંનેના ઘટના સ્થળે જ ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. તમને જણાવી દઈએ કે, મૃતક રામુના લગ્ન માત્ર 3 મહિના પહેલાં જ થયા હોવાથી આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Rajkot News: Gondal Ashapura Dam Tragedy, Uncle and 7-Year-Old Nephew Drown

ફાયર બ્રિગેડે બંને મૃતદેહ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર કિશોરભાઈ ગોહેલ, જયેશભાઇ સોજીત્રા, વિજયસિંહ ચુડાસમા, અભિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ચુડાસમા અને જગદીશભાઈ પનીયાણી સહિતની ટીમે ડેમના ઊંડા પાણીમાં ભારે જહેમત બાદ બંને કાકા-ભત્રીજાના મૃતદેહ શોધીને બહાર કાઢ્યા હતા.

Rajkot News: Gondal Ashapura Dam Tragedy, Uncle and 7-Year-Old Nephew Drown

પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

બનાવ અંગેની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી અને ગોંડલ બી ડિવિઝન PI જી. એસ. ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આગળની જરૂરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: 14 September Top News: હિન્દી દિવસ અને ગણેશ ચતુર્થીનો સુભગ સમન્વય, જાણો આજનો દેશ-વિદેશનો ઐતિહાસિક વારસો