રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.તહેવારો અને ઉપવાસના દિવસોને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમોએ શહેરમાં ખાદ્ય પદાર્થો અને ખાસ કરીને ફરાળી વાનગીઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી અલગ અલગ 45 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએથી ભારે ગેરરીતિ અને અસ્વચ્છતા જોવા મળી હતી.
12000ના દંડની વસૂલાત પણ કરવામાં આવી
ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરીને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા અંદાજિત 206 કિલો અખાદ્ય, વાસી અને ગુણવત્તા વગરના ખાદ્ય સામગ્રીના જથ્થાનો ત્વરિત નાશ કરાવ્યો હતો.આ ઉપરાંત,રસોડામાં તથા સંગ્રહ સ્થાન પર હાઇજીન અને સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન ન કરતી 5 વેપારી પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો બનાવતા વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા રૂ.12000ના દંડની વસૂલાત પણ કરવામાં આવી છે.
