રાજકોટ શહેરમાં કેટલાક લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાનો રોફ જમાવવા માટે જાહેરમાં કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ લુખ્ખાઓએ શહેરના વ્યસ્ત રસ્તાને બાનમાં લઈને વાહનવ્યવહારને અટકાવ્યો હતો. આ ઘટના શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર સર્કલ નજીક બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ પૂરપાટ ઝડપે હંકારીને ચાલકોએ રોડ પર સ્ટંટ કર્યા હતા.


સો.મીડિયામાં રોફ જમાવવા રોડ બાનમાં લીધો

આટલેથી જ ન અટકતા તેમણે એક કારને રસ્તાની વચ્ચે આડી રાખીને વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. આ વીડિયો અરુણ બારોટ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોનો હેતુ સ્પષ્ટપણે ભાઈ લોગ તરીકેનો રોફ જમાવવાનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરુણ બારોટનો ગુનાહિત ઇતિહાસ છે અને તેની સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

વીડિયોના આધારે માલવિયા પોલીસે તપાસ હાથ ધરી

વીડિયો વાયરલ થતાં જ શહેરની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. આ મામલાની ગંભીરતાને જોતા માલવિયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ ઘટના સમાજમાં વધી રહેલા અરાજકતા અને બેફામ વર્તનને પ્રતિબિંબિત કરે છે. જે કાયદાનું સન્માન કરનારા દરેક નાગરિક માટે ચિંતાનો વિષય છે.


  • Follow us on: