રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને વિજિલન્સ વિભાગ ભલે પારદર્શિતાના ગમે તેટલા દાવા કરે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના મામલામાં જે રીતે એક પછી એક બિલોની વિગતો બહાર આવી રહી છે, તે જોતા કોર્પોરેશનમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે. જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો તોડવાની જે કામગીરી થઈ હતી, તેમાં વહીવટી અધિકારીઓએ કાયદાકીય ઓથ લઈને ખાનગી એજન્સીઓ સાથે મળીને લાખો રૂપિયાના બોગસ કે અતિશયોક્તિભર્યા બિલો પાસ કરાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાહેર થઈ છે.
22 લાખનું વીડિયોગ્રાફી બિલ જોઈને ઓડિટ વિભાગ પણ ચોંક્યો
આ વિવાદની શરૂઆત અગાઉ ડિમોલિશન સાઇટ પર હાજર સ્ટાફ અને અધિકારીઓ માટે મંગાવવામાં આવેલી મોંઘીદાટ કાજુકતરી અને પાણીના પાઉચ/બોટલોના તોતિંગ ખર્ચથી થઈ હતી. એ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં જ ડિમોલિશનની વિઝ્યુઅલ રેકોર્ડિંગ અને ડ્રોન સર્વેલન્સનું બિલ અધધ ૨૨ લાખ રૂપિયા રજૂ કરવામાં આવ્યું છે. જાણકારોના મતે, કોઈપણ મોટા પ્રોજેક્ટ કે કટોકટીના સમયે પણ ડ્રોન અને વિડિયો શૂટિંગનો ખર્ચ વધીને થોડા હજારો કે એક-બે લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. પરંતુ આ કેસમાં ૨૨ લાખ રૂપિયાનું બિલ બતાવીને સરકારી તિજોરીને ખુલ્લેઆમ લૂંટવામાં આવી છે.










