સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે રંગીલા રાજકોટ શહેરમાં વહેલી સવારે ઉત્સાહભેર ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો તેમજ નાગરિકો સાથે દોડ લગાવી હતી. જોકે, દોડ પૂર્ણ થયા બાદ રાજકોટની સવારમાં એક રસપ્રદ અને આકર્ષક નજારો જોવા મળ્યો હતો. મંત્રી જીતુ વાઘાણી પોતાના પદના પ્રોટોકોલને બાજુ પર મૂકીને રાજકોટના જાણીતા ગાંઠિયાના સ્ટોલ પર પહોંચી ગયા હતા અને જાતે જ તાવડા આગળ બેસીને ગરમાગરમ ગાંઠિયા તળવા લાગ્યા હતા.

કડાઈમાં ઝારો ફેરવતા નજરે પડ્યા મંત્રી જીતુ વાઘાણી

 રાજકોટના ખ્યાતનામ ફરસાણના સ્ટોલ પર પહોંચેલા જીતુ વાઘાણીએ ઉત્સાહપૂર્વક ગાંઠિયા બનાવવાની પ્રક્રિયામાં હાથ અજમાવ્યો હતો. તેમણે જાતે ગાંઠિયા વણીને ગરમ તેલના તાવડામાં તળ્યા હતા અને એક કુશળ કારીગરની જેમ ઝારો ફેરવતા જોવા મળ્યા હતા.વહેલી સવારે નાસ્તો કરવા આવેલા શહેરીજનો અને રાહદારીઓ રાજ્યના વરિષ્ઠ મંત્રીને જાતે ગાંઠિયા તળતા જોઈને દંગ રહી ગયા હતા અને લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા.

ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ માણી જયાફત

મંત્રીએ જાતે તૈયાર કરેલા ગરમાગરમ ગાંઠિયા, તળેલાં મરચાં, સંભારો અને જલેબીની મિજબાની માણવા સ્થાનિક ભાજપના ધારાસભ્યો, રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો એકત્રિત થયા હતા.તમામે સાથે બેસીને હળવાશભરી પળોમાં ગાંઠિયાની જયાફત માણી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજકોટ આવીએ અને સવારના પહોરમાં ગરમાગરમ ગાંઠિયા ન ખાઈએ તો રાજકોટની મુલાકાત અધૂરી ગણાય. એકતાની દોડ બાદ સૌ કાર્યકરો અને આગેવાનો સાથે ગાંઠિયા ખાવાનો આનંદ જ કંઈક અલગ છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં નાની ચલણી નોટોના બંડલો ખૂટી પડ્યા; બેંકોએ હાથ જોડ્યા, ‘નવી નોટોનો આગ્રહ ન રાખો