રાજકોટમાં સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા અને લાઇક્સ-વ્યૂઝ મેળવવા માટે કાયદો-વ્યવસ્થા અને જાહેર સલામતીને નેવે મૂકી જોખમી સ્ટંટ કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કેસરી હિન્દ પુલ ઉપર એક યુવક હાથમાં ઈમરજન્સી ફાયર સેફ્ટી સિલિન્ડર (ફાયર એક્સટિંગ્વિશર) લઈને જાહેરમાં આતંક મચાવતો જોવા મળ્યો હતો. આગ જેવી ગંભીર હોનારત વખતે લોકોના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાતા આ સુરક્ષા સાધનનો દુરુપયોગ કરી, યુવકે સિલિન્ડરની પિન ખેંચી તેને હવામાં ઉડાવી જોખમી પ્રદર્શન કર્યું હતું. આ જોખમી સ્ટંટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ જાગૃત નાગરિકો અને નેટિઝન્સમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
જાહેરમાં ગેસ ઉડાવી આતંક મચાવ્યો
રાજકોટ શહેરના ઐતિહાસિક અને સતત ટ્રાફિકથી ધમધમતા કેસરી હિન્દ પુલ પર રાત્રિના કે વહેલી સવારના સુમારે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઈમરજન્સી વપરાશ માટેના ફાયર એક્સટિંગ્વિશરનો વાલ્વ ખોલીને યુવક તેને હવામાં ઉડાવતો અને આસપાસ કેમિકલ પાવડર/ગેસ ફેલાવી ફિલ્મી અંદાજમાં રીલ્સ બનાવતો નજરે પડે છે.હાઈ-પ્રેશર ધરાવતો આ સિલિન્ડર જો હાથમાંથી છટકી ગયો હોત કે બ્લાસ્ટ થયો હોત, તો પુલ પરથી પસાર થતાં નિર્દોષ વાહનચાલકો કે રાહદારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શક્યા હોત. જીવ બચાવવાના સાધનોનો આ રીતે છપરી સ્ટંટ માટે સરેઆમ તમાશો બનાવવામાં આવતાં લોકો આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની સબક શીખવવાની માંગ કરી રહ્યા છે.
