રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ જસદણ વિધાનસભા બેઠકને લઈને એવું નિવેદન આપ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા ફરીથી મંત્રી બનશે.તેમના આ નિવેદન સામે કોળી સમાજના જ આગેવાન પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, ચૂંટણીમાં કોણ લડશે અને આગળ જતાં કોણ બનશે તે તમામ બાબતો માત્ર કોળી સમાજ જ નક્કી કરશે.

બાવળિયાએ હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ

કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયાએ હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.કુંવરજી બાવળિયા માત્ર સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ પોતાના આપેલા વાયદા ક્યારેય પૂરા કરતા નથી.કોળી સમાજના ઉત્થાન માટે વિદ્યાર્થી ભવન બનાવવાનો વાયદો તેમણે 7 વર્ષ પહેલાં કર્યો હતો.પરંતુ આ વાયદો આજ દિન સુધી પૂરો થયો નથી.તેઓ માત્ર સમાજના નામે રાજકારણ કરતા હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.જસદણના સંમેલનમાં માત્ર એવા જ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના કુંવરજી બાવળિયા સાથે વ્યક્તિગત મેળ કે સંબંધો છે.સમગ્ર સમાજને આ પ્રકારના રાજકીય સંમેલન સાથે કોઈ લેવાદેવા નથી.

રાજકારણ હવે યુવાનોના હાથમાં જઈ રહ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને રાજકારણ હવે યુવાનોના હાથમાં જઈ રહ્યું છે.ભારતીય જનતા પાર્ટી પણ હવે જેન્ઝી નેતાઓને ટિકિટ આપીને આગળ લાવી રહી છે.રાજકીય ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઇનલ માનવામાં આવી રહી છે.કોળી સમાજ પણ હવે આવા સક્ષમ અને ઉત્સાહી યુવા નેતાઓને જ પસંદ કરી રહ્યો છે.સમાજના નામે રાજકીય રોટલા શેકવાને બદલે જનહિત અને સમાજના વિકાસનાં કાર્યો થવાં જોઈએ.જૂના નેતાઓએ યુવા પેઢી માટે જગ્યા ખાલી કરવી જોઈએ જેથી સમાજનો સાચો વિકાસ થઈ શકે.પ્રવીણ કોળીએ સ્પષ્ટ કર્યું કે ભાજપ સંગઠન પણ નવી પેઢીને તક આપી રહ્યું છે તેથી હવે સમાજે પણ નવું નેતૃત્વ સ્વીકારવું પડશે.

આ પણ વાંચોઃ Surat News: કતારગામ શિશુ ગૃહના બે બાળકોને મળ્યા અમેરિકન માતા પિતા