રાજકોટ જિલ્લામાં સત્તાધારી ભાજપનો આંતરિક વિખવાદ અને જૂથવાદ હવે સહકારી માળખા પર સીધો હાવી થઈ રહ્યો છે. ખેડૂતો અને સહકારી પ્રવૃત્તિઓ સાથે સીધા સંકળાયેલા અત્યંત પ્રતિષ્ઠિત એવા રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘ માં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક પ્રક્રિયા સદંતર અધ્ધરતાલ લટકી ગઈ છે. સંઘમાં ડિરેક્ટરોની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી હોવા છતાં, પદાધિકારીઓની વરણી બાબતે સર્જાયેલી ખેંચતાણના પગલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દિવાળી પછી સુધી ઠેલાઈ ગઈ છે. ભાજપના સ્થાનિક જૂથો વચ્ચે સત્તા કબજે કરવાની ચાલી રહેલી તીવ્ર લડાઈના કારણે પ્રદેશ ભાજપ મોવડી મંડળ પણ આખરી નિર્ણય લેવામાં અનિર્ણીત સાબિત થઈ રહ્યું છે.

ડિરેક્ટરો ચૂંટાયા પણ ખુરશીઓ ખાલી

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ તેમજ રાજકોટ જિલ્લા સંઘમાં ડિરેક્ટરોની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ટોચના બે પદો (ચેરમેન અને વાઇસ ચેરમેન) માટે સંમતિ સધાતી નથી.પ્રદેશ ભાજપના મેન્ડેટ વિના ચૂંટણી યોજી શકાય તેમ ન હોવાથી સ્થાનિક સ્તરે કોઈ જૂથ નમતું જોખવા તૈયાર નથી.સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન તહેવારોની મોસમમાં કોઈપણ જૂથની નારાજગી ન વહોરવી પડે તે માટે મવડી મંડળે દિવાળી સુધી કોઈ સત્તાવાર બેઠક કે વરણી ન કરવાનો વચગાળાનો માર્ગ પસંદ કર્યો છે.ટોચના હોદ્દેદારો વિના સંઘનું નીતિવિષયક વહીવટી કામકાજ અટકી પડતાં સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે.

આગામી માર્કેટિંગ યાર્ડોની ચૂંટણીઓ પર પડશે સીધી અસર

રાજકોટ લોધિકા સંઘ બાદ આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ મોટા માર્કેટિંગ યાર્ડ (APMC) અને જિલ્લા સ્તરની અન્ય મહત્વપૂર્ણ સહકારી મંડળીઓની પણ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.જો અત્યારથી જ લોધિકા સંઘ જેવી સંસ્થામાં જૂથવાદ વકર્યો હોય, તો આગામી યાર્ડોની ચૂંટણીમાં ભાજપના બંને જૂથો ખુલ્લેઆમ સામસામે આવી જવાની પૂરી શક્યતા છે.પાયાના કાર્યકરો અને સહકારી આગેવાનોમાં એવી ચર્ચા છે કે જો પ્રદેશ નેતૃત્વ કડક હાથે જૂથવાદને નહીં ડામી શકે, તો પંચાયત અને સહકારી ક્ષેત્ર પર ભાજપની પરંપરાગત પકડ ઢીલી પડી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: 23 ઓક્ટોબરથી પ્રથમ વખત ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026’, 13 દેશોના 400થી વધુ ખેલાડીઓ વચ્ચે મહામુકાબલો!