રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ મળતી આર્થિક સહાયમાં થઈ રહેલા ભારે વિલંબને કારણે રાજકોટ જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો અત્યંત કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. રાજકોટની 190 જેટલી ગૌશાળાઓને છેલ્લા 7 મહિનાથી યોજનાની સહાય મળી ન હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન મહિનાના બિલો અટવાઈ પડતાં 43,535 જેટલા અબોલ પશુઓના નિભાવ સામે મોટો આર્થિક પડકાર ઊભો થયો છે. એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ઘાસચારાના આસમાને પહોંચેલા ભાવ, તો બીજી તરફ સરકારી સહાય અટકી જતાં ગૌશાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગૌ સેવા આયોગમાં ડેટા મોકલ્યા છતાં બિલ અટક્યા
રાજકોટ જિલ્લાની 190 ગૌશાળાઓમાં આશરો લઈ રહેલા કુલ 43,535 પશુઓના નિભાવ માટે ગૌ સેવા આયોગમાં નિયમ મુજબ ડેટા મોકલી આપવામાં આવ્યો હોવા છતાં, છેલ્લા 7 મહિનાથી સહાયની રકમ ચૂકવવામાં આવી નથી. ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન મહિનાના બિલ અટકી પડ્યા છે.ગૌ સેવકો અને સંચાલકો દ્વારા અટવાયેલી સહાય તાત્કાલિક ચૂકવવા માટે છેક મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સહાયમાં વિલંબ થઈ રહ્યો છે.
