રખડતા શ્વાનોના વધતા આતંક અને કરડવાના બનાવોના પગલે સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા (RMC) સફાળી જાગી છે અને રખડતા શ્વાન નિયંત્રણની કામગીરીમાં ફરી એકવાર જોરશોરથી લાગી ગઈ છે. કોર્ટના નિર્દેશોનું પાલન કરવા માટે મનપા હવે શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે શરૂ કરશે.
બાકી રહેલું ખસીકરણ મોટો પડકાર
મનપાના આંકડા મુજબ, અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને 16 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ (Sterilization) હાથ ધરવામાં આવ્યું છે. જોકે, હજુ પણ 26 હજારથી વધુ રખડતા શ્વાનનું ખસીકરણ કરવાનું બાકી છે, જે મનપા માટે મોટો પડકાર છે.
જાહેર સ્થળો પર શ્વાનનો ત્રાસ
રખડતા શ્વાનનો ત્રાસ શહેરના મુખ્ય જાહેર સ્થળોએ વ્યાપક બન્યો છે. જાહેર સ્થળો, હોસ્પિટલ, બગીચા કે સરકારી વિભાગોમાં પણ શ્વાન પડ્યા પાથર્યા રહેતા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શ્વાન કરડવાના કેસમાં સતત વધારો થતાં, હવે મનપાને રખડતા શ્વાન નિયંત્રણ માટે સઘન કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
રખડતા શ્વાનનો આતંક ઓછો થાય તેવી આશા
મનપા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને બાકી રહેલા શ્વાનોના ખસીકરણ માટે પણ કરોડો રૂપિયાના ખર્ચે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વે અને ખસીકરણ ઝુંબેશ દ્વારા શહેરમાં રખડતા શ્વાનનો આતંક ઓછો થાય તેવી આશા સેવાઈ રહી છે.