રાજકોટમાં પતિથી અલગ થઈને છેલ્લા ત્રણ વર્ષથી એકલવાયું જીવન જીવતાં 45 વર્ષીય મંજુબેન બારૈયા નામના મહિલાને પોતાનાથી અડધી ઉંમરના 25 વર્ષીય પ્રકાશ સોલંકી નામના યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહેલા આ સંબંધોમાં મંજુબેન અવારનવાર પ્રકાશ પર લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. જોકે, પ્રકાશના પરિવારે આ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. લગ્નના સતત દબાણ અને ઝઘડાથી કંટાળી ગયેલા 25 વર્ષીય પ્રેમી પ્રકાશે મહિલાનો કાંટો કાઢી નાખવા માટે ખોફનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.
બહાને બોલાવી રેલવે ટ્રેક પર માર્યો ધક્કો
આરોપી પ્રેમી પ્રકાશે મંજુબેનને જૂનાગઢ લગ્ન કરવા જવાનું બહાનું બતાવીને ગોંડલ સ્ટેશન નજીક બોલાવ્યા હતા. ત્યારબાદ તે મહિલાને ગોંડલના ગુંદાળા ફાટક પાસે આવેલા રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. ત્યાં સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન જોઈને પ્રકાશે મંજુબેનને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. ટ્રેન સાથે પ્રચંડ અથડામણ થતાં મંજુબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
