રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે બાતમીના આધારે એક મોટી અને સફળ કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.SOGની ટીમે દરોડો પાડીને બનાવટી તમાકુના મોટા જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના એક વિસ્તારમાં આવેલ હિરેન પરફ્યુમરી વર્ક્સ નામના ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ગેરકાયદેસર અને ગુણવત્તા વગરની ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ગેરકાયદેસર ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડી
આ બાતમીના આધારે SOGની ટીમે અચાનક હિરેન પરફ્યુમરી વર્ક્સ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન ગોડાઉનની અંદર મોટા પાયે ડુપ્લીકેટ તમાકુ પેકિંગ કરવાનું ગેરકાયદેસર નેટવર્ક ઝડપાઈ ગયું હતું.પોલીસે સ્થળ પરથી હિરેન સોનેજી અને રાજુ સોનેજી નામના બે ઇસમોને ગેરકાયદેસર રીતે તમાકુનું ઉત્પાદન કરતા અને તેનું પેકિંગ કરી વેચાણ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.આ બંને શખ્સો કોઈ પણ જાતની પરવાનગી કે લાઇસન્સ વગર જ ગોડાઉનમાં બ્રાન્ડેડ તમાકુના નામે ડુપ્લીકેટ તમાકુ તૈયાર કરી રહ્યા હતા.ગોડાઉનની ઝડતી લેતા પોલીસને અલગ-અલગ વજનના તમાકુના ડબ્બાઓ મળી આવ્યા હતા.
