સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવતો નજારો જોવા મળ્યો હતો. જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ અને જામનગર ઉત્તરના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી રિવાબા જાડેજા લાંબા સમય બાદ એક જ મંચ પર સાથે ઉપસ્થિત રહ્યા હતા. એક સમયે જાહેરમાં થયેલી ઉગ્ર શાબ્દિક ટપાટપી અને ગજગ્રાહ બાદ આજે બંને મહિલા નેતાઓ અત્યંત શાંત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એકમેકને મળતાં રાજકીય પંડિતો અને કાર્યકરોમાં નવી ચર્ચા છેડાઈ છે. બંને નેતાઓ વચ્ચે જોવા મળેલી આ ‘નવી કેમિસ્ટ્રી’ હાલ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

જાહેર વિવાદ બાદ મંચ પર સ્મિતની આપ-લે

ભૂતકાળમાં જામનગર ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન પૂનમબેન માડમ અને રિવાબા જાડેજા વચ્ચે પ્રોટોકોલ અને કાર્યક્રમ બાબતે જાહેરમાં આકરી બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સમગ્ર દેશમાં વાયરલ થયો હતો.આ કડવા ભૂતકાળ બાદ બંને નેતાઓ જાહેર મંચો પર સાથે આવવાનું ટાળતા હતા અથવા અંતર જાળવતા જોવા મળતા હતા.જોકે, રાજકોટના આ કાર્યક્રમમાં બંને નેતાઓએ એક મંચ શેર કર્યો એટલું જ નહીં, પરંતુ એકબીજા સાથે સહજતાથી વાતચીત કરતા અને હળવાશભર્યા અંદાજમાં સ્મિત વેરતા નજરે પડ્યા હતા.

"દેખાડવાના અલગ અને ચાવવાના અલગ?": રાજકીય વર્તુળોમાં અટકળો

રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી તે ઉક્તિ મુજબ બંને નેતાઓએ સંગઠન અને પક્ષની છબીને પ્રાથમિકતા આપી હોવાનું માનવામાં આવે છે.હાઈકમાન્ડના કડક વલણ અને સંગઠનની સૂચના બાદ બંને નેતાઓએ જૂના મતભેદો બાજુ પર મૂકીને એકતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજકારણમાં દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય છે; આ માત્ર મંચ પૂરતી ઔપચારિકતા છે કે વાસ્તવિક સમાધાન, તે આવનારો સમય જ નક્કી કરશે.

આ પણ વાંચો: Cyclone Arnab: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અર્ણબ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ! 150 કિમીની ઝડપે ત્રાટકેલા પવનોએ છાપરાં ઉડાડ્યા