રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના નગરસેવકોએ જંગલેશ્વરમાં થયેલી ડિમોલિશનની કામગીરી તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલાં દબાણોના મુદ્દાને લઈને શાસક પક્ષ અને તંત્રને ઘેરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.વિપક્ષી સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો દર્શાવીને કમિશનર તુષાર સુમેરા સામે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના નગરસેવકોએ માગણી કરી હતી કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચનો વિગતવાર તપાસ રિપોર્ટ તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે.આ સમગ્ર પ્રકરણમાં જે કોઈ પણ જવાબદારો સામેલ હોય તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી વિપક્ષ દ્વારા સભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો સામસામે આવી જતાં ભારે સૂત્રોચ્ચાર અને બોલાચાલી થઈ હતી.
આજી નદીનો પટ્ટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના હેતુથી ડિમોલિશન
આ સમગ્ર હોબાળા અંગે ભાજપના નગરસેવક ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડીમોલેશન મુદ્દે કોંગ્રેસ દરેક જનરલ બોર્ડમાં વારંવાર પ્રશ્નો પૂછીને વિરોધ ઊભો કરે છે.તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ ખુલ્લો કરવા માટે તેમજ આજી નદીનો પટ્ટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના વહીવટી હેતુથી જ આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.જંગલેશ્વર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર ઓરડીઓ ઊભી કરીને તેને ભાડે આપીને મોટી આવક કમાવવાનો વ્યવસાય ચાલતો હતો.આજી નદીના પટ્ટમાં એકએક વ્યક્તિ આઠથી દસ ઓરડીઓ બનાવીને ભાડે આપતી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો.આ ઉપરાંત આજી નદીના પટ્ટ વિસ્તારમાં આલીશાન બંગલાઓ બાંધવામાં આવ્યા હતા અને મકાનોની છત પર દારૂની પાર્ટીઓ કરવા માટે બાર પણ બનાવવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયા બાદ સમગ્ર વિસ્તારમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે જે બાબતથી શહેરના સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે.
