રાજકોટની બી.એ. ડાંગર કોલેજના એક મેડિકલ વિદ્યાર્થીના આપઘાતનો મામલો ગરમાયો છે. મૃતક વિદ્યાર્થી હરેશે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં તેણે કોલેજના સંચાલક આત્મન મહેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પણ પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોંધતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં હરેશે જણાવ્યું હતું કે મને કોલેજના સંચાલક આત્મન મહેતાએ ખોટી રીતે ફસાવ્યો છે.


વિદ્યાર્થી હરેશે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો

આ ઉપરાંત તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આત્મન મહેતા પૈસા લઈને એડવાન્સમાં પેપર આપતો હતો. કોલેજ મેનેજમેન્ટે પણ એ વાતની કબૂલાત આપી છે કે મૃતક વિદ્યાર્થીએ સાત હજાર રૂપિયા લીધા હતા. આ તમામ પુરાવા હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. આપઘાતની ઘટનાને છ દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધી નથી. જેના કારણે પરિવારજનોએ પોલીસની કામગીરી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

પરિવારજનોએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

હરેશના પિતાએ વીડિયોમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે મેં પુત્રના મૃત્યુથી મારી મરણમૂડી ગુમાવી છે. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આ મામલે પોલીસને તમામ પ્રકારના પુરાવા આપ્યા હોવા છતાં FIR ન નોંધાતા પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અગાઉ પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યું છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પરીક્ષાની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: