શહેરના રેલનગર અંડરપાસની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ અંડરપાસ સ્થાનિકો અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ અંડરપાસનું નિર્માણ 17 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, તેમ છતાં આજે તેની સ્થિતિ દયનીય છે. વળી, બે વર્ષ પહેલા જ 54 લાખના ખર્ચે તેમાં વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હોવા છતાં, તે વોટરપ્રૂફિંગ સિસ્ટમ પણ નિષ્ફળ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
રાજકોટમાં રેલનગર અંડરપાસ
આ અંડરપાસની સૌથી મોટી સમસ્યા એ છે કે વગર વરસાદે પણ તેમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે બ્રિજ બન્યો ત્યારથી જ આ સમસ્યા યથાવત છે અને તંત્રના વારંવારના સમારકામ છતાં તેનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. અંડરપાસમાં સતત પાણી ભરાયેલું રહેવાના કારણે ત્યાં લીલ અને શેવાળ જામી જાય છે, જે સપાટીને અત્યંત લપસણી બનાવી દે છે. પરિણામે, વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડે છે અને રોજના અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. એક અહેવાલ મુજબ, દરરોજ 8 થી 10 જેટલા અકસ્માત સર્જાય છે.










