સૌરાષ્ટ્ર-ગુજરાતની ત્રણ દિવસથી મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ આજે બપોરબાદ રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર આવી પહોચતા તેઓનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.


આવતીકાલથી રાષ્ટ્રપતિનો પ્રવાસ સોમનાથ, સાસણ, દ્વારકામાં હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અંતિમ તૈયારી કરવામાં આવી હતી.દ્વારકામાં પણ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવાઈ છે.

રાષ્ટ્રપતિ આજે બપોર પછી દિલ્હીથી સીધા રાજકોટના હિરસર એરપોર્ટ ઉપર આવી પહોચતા પ્રવાસન મંત્રી, સાંસદ,મેયર અને ઉચ્ચ અધિકારીગણ દ્વારા આવકારવામાં આવ્યા બાદ બાયરોડ રાજકોટના સર્કિટ હાઉસમાં આવી પહોચ્યા હતા. એરપોર્ટ ઉપર જ રાજકીય અને અધિકારીગણ સાથે ટૂંકી ચર્ચા કર્યા બાદ સર્કિટ હાઉસમાં એકપણ રાજકીય નેતાને મળ્યા ન હતા. આવતીકાલે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ હિરાસરથી હેલિકોપ્ટરથી સોમનાથ જવા રવાના થશે.

સોમનાથમાં સવારે 11 વાગ્યે ત્રિવેણી સંગમ હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિનું આગમન થયા બાદ સોમનાથ મંદિરમાં પુજા-અર્ચના બાદ સરદાર વંદના કરશે ત્યાંથી સર્કિટ હાઉસ ખાતે વિશ્રાામ અને ભોજન કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે સાસણ જવા પ્રસ્થાન કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે સોમનાથમાં 1200 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સાસણમાં રાષ્ટ્રપતિ સહિત પરિવારના 17 સભ્યો નેશનલ પાર્કમાં સિંહદર્શન કરશે અને સાંજે આદીવાસી સમાજના સભ્યો સાથે વાતચીત કરશે અને સિંહ સદન ખાતે રાત્રિરોકાણ કરશે. ત્યારબાદ તા.11ના દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરશે.દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે તંત્ર દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઈ છે અને રીહર્સલ સાથે તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.


  • Follow us on: