રંગીલા રાજકોટમાં નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણીને લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે શહેરમાં 660થી વધુ પ્રાચીન ગરબા મહોત્સવ તથા 41થી વધુ કોમર્શિયલ આયોજનો થઈ રહ્યા છે. કોમર્શિયલ દાંડિયા રાસ અને ગરબા માટે 43થી વધુ આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે. જેમાં વન-ડે અને નવ દિવસીય ગરબા માટે હાલ 7 આયોજકોને સત્તાવાર મંજૂરી આપાઈ છે, જ્યારે બાકીની અરજીઓ અંગે મંજૂરી આપવાની વહીવટી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
મહિલાઓની સુરક્ષા માટે 'SHE ટીમ' તૈનાત
નવરાત્રી દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો પર ખાસ નજર રાખવામાં આવશે. શહેરના તમામ પોલીસ સ્ટેશન ક્ષેત્ર હેઠળ આવતી પ્રાચીન ગરબીઓ તેમજ મોટા આયોજનોના સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને નવરાત્રી પર્વ દરમિયાન બહેનો અને દીકરીઓ નિર્ભય તેમજ મુક્ત વાતાવરણમાં ગરબાની મજા માણી શકે તે માટે ખાસ 'SHE ટીમ' (શી ટીમ) ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરશે.
