ગુજરાતમાં ખાનગી શાળાઓના સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચે આગામી દિવસોમાં મોટો ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્રના 10 જેટલા જિલ્લાઓના શાળા સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલકો દ્વારા રાજ્ય સરકારના વિવાદાસ્પદ શિક્ષણ સુધારા વિધેયક અને ફી નિયમન સમિતિ (FRC) ના કાયદાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને સરકારની નીતિઓ સામે અસહકારનું આંદોલન છેડવાની જાહેરાત કરાઈ હતી.
5 મુખ્ય માંગણીઓ સાથે ગાંધીનગરમાં રજૂઆતની ચીમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યભરના આશરે 17,000 જેટલા શાળા સંચાલકો હાલ સરકાર સામે લડતના મૂડમાં આવી ગયા છે. સંચાલકો દ્વારા પોતાની વિવિધ 5 મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે અને જો સમયસર તેનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રણનીતિના ભાગરૂપે દિવાળીના તહેવારો બાદ ગાંધીનગર ખાતે જઈને સરકાર સમક્ષ સામૂહિક રજૂઆતો કરવામાં આવશે, જેથી પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.
