રાજકોટ શહેરમાં માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સર્વિસ રોડને પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક ડીસીપી દ્વારા આ સમગ્ર માર્ગ પર વિઝિટ કરવામાં આવી હતી. જાહેરનામા બાદ ટ્રાફિક એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે.

ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગ

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ બન્યો ત્યારથી જ તેના પર વારંવાર ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગ જોવા મળી રહ્યા છે. વર્ષોથી આ રિંગ રોડની બાજુમાં વાહનો આડેધડ ખડકાતા હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. 

પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

પોલીસ તંત્ર દ્વારા હવે 150 ફૂટ રિંગ રોડ પર આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કે ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે અને પોલીસે વાહન ચાલકોને રસ્તા પર વાહન પાર્કિંગ નહીં કરવા ખાસ અપીલ પણ કરી છે.

સ્થિતિની સમીક્ષા કરી 

આ માર્ગ પર આવેલા રૈયા ચોકડી, નાણાવટી ચોક, બાલાજી હોલ, મવડી ચોકડી અને ગોવર્ધન ચોક સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ જોવા મળ્યા છે. અહીં સામાન્ય લોકોએ સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક અને સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ કરી દીધા છે. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને વિવિધ શોરૂમ વાળા દ્વારા પણ ખુલ્લેઆમ આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જૂની કારના ડેલાવાળાઓ પણ વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને ફૂટપાથ પર સતત પાર્કિંગ કરી દબાણ ઊભું કરતા નજરે પડે છે. શહેર પોલીસ કમિશનરના સીધા આદેશ બાદ ટ્રાફિક ડીસીપીએ 150 ફૂટ રિંગ રોડની વિઝિટ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. 


આ પણ વાંચો   :    Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ