સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પડતર પડેલી એમ્બ્યુલન્સમાં લુખ્ખા શખસોએ અડ્ડો બનાવી દારૂની મહેફિલો માણતા હોવાનું બહાર આવ્યું છે.
એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી 9 બોટલો, સિગારેટના પાકીટ અને ખાલી ગ્લાસ મળી આવતા ચકચાર મચી છે. હોસ્પિટલના જુના બિલ્ડીંગ પાસેના કમ્પાઉન્ડ નજીક પાર્ક કરાયેલ પડતર એમ્બ્યુલન્સમાંથી અને બહારથી દારૂની 9 બોટલો મળી આવી હતી. બનાવને પગલે પોલીસ અને સિવીલ હોસ્પિટલના પાપે લુખ્ખાઓએ અડ્ડો બનાવ્યો હોવાનું બહાર આવ્યું હોય સિવિલ હોસ્પિટલના અધિક્ષકે તપાસના આદેશ કરતા પ્રનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં પડતર બે એમ્બ્યુલન્સમાંથી અને તેની નજીકથી દારૂની ખાલી 9 બોટલ મળી આવી હતી. જે અંગે રાહદારીએ જાણ કરતા સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલીબેન માંકડીયાએ તપાસના આદેશ કર્યા હતા. મેડિકલ ઓફિસરે તપાસ કરતા દારૂની ખાલી બોટલો, સિગારેટના પાકીટ, ખાલી ગ્લાસ સહિતની વસ્તુઓ મળી હતી.










