રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ચાલતી આંગણવાડીઓમાં ભૂલકાંઓને આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી 20 જેટલી આંગણવાડીઓમાં માસૂમ અને કુપોષિત બાળકોને અત્યંત હલકી કક્ષાનું અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન પીરસવામાં આવ્યું હોવાનો સળગતો મામલો સામે આવ્યો છે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલી રોટલીઓ એટલી ખરાબ અને કડક હતી કે 'પશુ પણ ન ખાય' તેવી સ્થિતિ જોવા મળી હતી.

5 દિવસમાં જ નબળું ભોજન પીરસવાનું શરૂ

રાજકોટ શહેરમાં મનપા સંચાલિત કુલ 365 આંગણવાડીઓ આવેલી છે, જ્યાં હજારો બાળકોને રોજિંદો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આંગણવાડીઓમાં ભોજન બનાવવાનો અને સપ્લાય કરવાનો નવો કોન્ટ્રાક્ટ 'પારસ એગ્રો' નામના એજન્સીને સોંપવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે નવા કોન્ટ્રાક્ટરે કામગીરી સંભાળ્યાના માત્ર 5 જ દિવસની અંદર ભોજનની ગુણવત્તામાં ભારે કડાકો જોવા મળ્યો છે. બાળકોને કડક રોટલીઓની સાથે અડધો કાચો શીરો પીરસવામાં આવ્યો હોવાનું બહાર આવતાં સંચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા.

બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

સરકાર દ્વારા આંગણવાડીઓ મારફતે બાળકોમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારીને કારણે 'કુપોષિત બાળકોને આવું નબળું ભોજન આપવાથી પોષણ ક્યાંથી મળશે?' તેવા તીખા સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે નાના બાળકોના આરોગ્ય સાથે રમત રમતા આવા કોન્ટ્રાક્ટરો સામે મનપા તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પારસ એગ્રોનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો