રાજકોટમાં વધુ એક ભાજપ મહિલા કોર્પોરેટર આવાસ યોજનાના ક્વાર્ટરને લઈને વિવાદમાં આવ્યા છે. વોર્ડ નંબર 17નાં કોર્પોરેટર અને સેનેટરી સમિતિના ચેરમેન કીર્તિબા રાણા સામે કોઠારિયા રોડ પર આવેલી હુડકો આવાસ યોજનાના 2 ક્વાર્ટર કબજે કર્યાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત કુલ 3 આવાસ યોજનાના ક્વાર્ટર પોતાના નામે ચડાવવા માટે મહાનગરપાલિકામાં સોગંદનામું રજૂ કર્યાની વિગતો પણ સામે આવી છે.
સોગંદનામામાં પરિવાર પાસે મિલકત ન હોવાનો ઉલ્લેખ
કીર્તિબા રાણાએ મનપામાં રજૂ કરેલા સોગંદનામામાં તેમની કે તેમના પરિવારજનોની માલિકીની કોઈ મિલકત ન હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવાયું છે. જોકે, તેઓ પોતાના પતિના નામે આવેલા સી-229 નંબરના ક્વાર્ટરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
સી-230 અને સી-231 ક્વાર્ટર કબજે કર્યાનો આક્ષેપ
કોઠારિયા રોડ પર આવેલી હુડકો આવાસ યોજનાના સી-230 અને સી-231 નંબરના ક્વાર્ટર કીર્તિબા રાણાએ કબજામાં લીધા હોવાનો આક્ષેપ છે. આમ, પતિના નામે સી-229માં રહેવા ઉપરાંત અન્ય બે ક્વાર્ટર પર કબજો હોવાના આક્ષેપને પગલે સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
જૂના ક્વાર્ટરનું સંચાલન મનપા પાસે
હુડકો આવાસ યોજનાના આ જૂના ક્વાર્ટરનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે. આવા સંજોગોમાં એક જ વ્યક્તિ દ્વારા કુલ 3 ક્વાર્ટર પોતાના નામે ચડાવવા માટે સોગંદનામું રજૂ કરવાના મામલે સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ