રાજકોટ મહાપાલિકાના રસ્તા બિસ્માર છે અને તે મામલે તંત્રની આકરી ટીકા થઈ રહી છે ત્યારે જનરલ બોર્ડમાં એવો ઘટસ્ફોટ થયો છે કે મહાપાલિકા ઉપરાંત યુટિલીટી સેવાઓ આપતી કંપનીઓએ પણ પાંચ વર્ષમાં સવા છ લાખ રનિંગ મીટર રસ્તાનો ખો બોલાવી નાખ્યો છે. વિવિધ પ્રકારની લાઈનો નાખવા માટે ખોદી નાખવામાં આવતા રસ્તા પછી રિપેર થતા જ નથી.


ગેસ કંપની, ટેલિકોમ કંપની, વીજ કંપની અને કેબલ બિછાવતી અન્ય કંપનીઓ દ્વારા રસ્તા તોડી લાઈન નાખવામાં આવતી હોય આખું વર્ષ કોઈને કોઈ સ્થળે કામ ચાલુ રહેતા રસ્તા બિસ્માર રહે છે. ચોમાસાં પહેલા જવાહર રોડ અને ઢેબર રોડ બન્યો તે સાથે જ તેમાં તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદો થઈ હતી. ખાડા કરવા મંજૂરી ઝડપથી આપી દેવાય છે પણ પછી તેના રિપેરીંગમાં ધ્યાન નહિ અપાતા લોકો પરેશાન થાય છે. નગરજનો રસ્તા મામલે લાંબા સમયથી પરેશાન છે, સાજા સારા રસ્તા ગમે ત્યારે લાઈન નાખવા તોડી નાખવામાં આવે છે. પૂર્વ મંજૂરી લીધા બાદ રસ્તાઓ ખોદી શકાતા હોય કંપનીઓ દ્વારા આવી પ્રવૃત્તિ સતત ચાલુ જ રાખવામાં આવી રહી છે.


  • Follow us on: