સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં ખાલી રહેલા સ્ટોલ એક દિવસમાં જ ચપોચપ વેચાઈ જતા હવે મેળાની રંગત જામશે. તે સાથે પાંચ દિવસમાં લાખો લોકો મેળામાં ઉમટી પડનાર હોવાથી સલામતિ, મનોરંજનને અગ્રતા આપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે મેળામાં પ્રથમ વખત AI (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ)થી ભીડ નિયંત્રણ કરવામાં આવશે.
રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર પરંપરાગત લોકમેળાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જણાવી જિલ્લા કલેકટરે જણાવ્યું કે, લોકમેળામાં આ વર્ષે ક્રાઉડ કંટ્રોલ માટે ડ્રોન અને એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ એનડીઆરએફ્, એસડીઆરએફ્ અને કવીક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત કરવામાં આવશે. મેળામાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.










