અનેક વિવાદોથી ઘરેાયેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ગઈકાલે સોમવારે મોડી સાંજના ઈમરજન્સી વિભાગમાં આવેલી લિફ્ટમાં પાંચ દર્દી સહિત 8 લોકો ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી અને અધવચ્ચે મહામહેનતે ફસાયેલા લોકોને હોસ્પિટલના સ્ટાફે બહાર કાઢયા હતા. હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે ઈમરજન્સી વિભાગની લિફ્ટમાંથી દર્દી સહિતના સ્ટાફ નીચે આવી રહ્યો હતો ત્યારે લિફ્ટ અધવચ્ચે બંધ થતા દર્દી સહિત સ્ટાફ દ્વારા દેકારો કરી મુકવામાં આવ્યો હતો તે દરમિયાન સિક્યુરીટી સ્ટાફે અધ વચ્ચેથી લિફ્ટનો દરવાજો ખોલી તેમાંથી સ્ટેચરમાંથી દર્દી સહિતનાઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલ કેમ્પસમાં કુલ 11 લિફ્ટ આવેલ છે તેમાં PMSSY બિલ્ડીંગની લિફ્ટ નવી છે. આ સિવાયની તમામ 7 લિફ્ટ 15થી 20 વર્ષ જૂની છે. સામાન્ય રીતે લિફ્ટનું આયુષ્ય 15 વર્ષનું હોય છે આથી હોસ્પિટલની લિફ્ટનું આયુષ્ય પુરૂ થઈ ગયું હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર મહિને કોઈને કોઈ લિફ્ટમાં દર્દી સહિત સ્ટાફ ફસાઈ જવાના 3 થી 4 કિસ્સા નોંધાઈ છે છતાં હોસ્પિટલના સત્તાધીશો બિન્દાસ છે. આથી દર્દીઓને લિફ્ટમાં લઈ જવાનું જોખમ વધ્યું છે તેવી વાતો વહેતી થઈ છે.










