સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ગંભીર જળસંકટ સર્જાવાની દહેશત ઊભી થઈ છે. શહેરની મુખ્ય જળજરૂરિયાતો પૂરી કરતા આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ બંને ડેમમાં માત્ર 10 નવેમ્બર સુધી જ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

મનપા કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર રવાના

આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક માટે રવાના થઈ ગયા છે. તેઓ રાજ્ય સરકાર સમક્ષ વહેલી તકે નર્મદાના નીર ફાળવવામાં આવે તેવી સત્તાવાર રજૂઆત કરશે. ગાંધીનગરમાં યોજાનારી આ બેઠક દરમિયાન પાણીના વિતરણ, વપરાશ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જેથી રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત આપી શકાય.

પાણીકાપ ઝીંકાવવાની અટકળો તેજ

ડેમમાં તળિયા ઝાટક પાણી અને નર્મદાના નીરની અનિશ્ચિતતા વચ્ચે કમિશનરની આ મુલાકાત બાદ રાજકોટ શહેરમાં આગામી સમયમાં પાણીકાપ મૂકવામાં આવશે કે કેમ તે અંગેની અટકળો ખૂબ જ તેજ થઈ ગઈ છે. જો સરકાર દ્વારા સમયસર વધારાનો જથ્થો નહીં ફાળવવામાં આવે તો નાગરિકોએ પાણીના કર્કસરયુક્ત વપરાશ માટે તૈયાર રહેવું પડશે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vadodara News : યુસુફ પઠાણને 20 કરોડનો પ્લોટ મળ્યા બાદ વડોદરામાં રાજકારણ ગરમાયું, હવે ક્રિકેટર રાધા યાદવની માંગ પર સૌની નજર