કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આતંક મચાવી ફીલરમેન પર હુમલો કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા સોલ્વન્ટ પાસે હુસેની ચોક પાસે રહેતા અને કોઠારીયા ગામે ધનલક્ષ્મી પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતો અમન ફિરોઝભાઈ પઢીયારએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે કારમાં આવેલા બે અજાણ્યા શખસોના નામો આપ્યા છે. તા.9-8ના રોજ રાત્રે પેટ્રોલ પંપ પર નોકરી પર હતો ત્યારે સીએનજી ભરાવવા કાર આવી હતી. જેમાં ચાલક સહિત બે શખસો હતા. એક શખસ કારમાં સિગારેટ પીતો હોય જેથી સિગારેટ પીવાની ના પાડી હતી. દરમ્યાન ઉશ્કેરાયેલા બન્ને શખસો બહાર નીકળી મોટા અવાજે ગાળો બોલવા લાગ્યા હતા અને એક શખસે કારમાંથી છરી લઈને હુમલો કર્યો હતો. દેકારો થતા સ્ટાફના રમેશભાઈ, પ્રકાશભાઈ અને ભીખુભાઈ વગેરે દોડી આવી બન્નેને છોડાવી ઓફિસમાં લઈ આવતા બન્ને શખસો નાસી ગયા હતા. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે માહિતીને આધારે બે શખસોને ઉઠાવી પુછતાછ કરતા અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો અને કોઠારીયા ગામે રહેતો દર્શીત દુષ્યંતભાઈ દલાલ અને ધ્રુવ સુનીલગીરી ગોસ્વામી હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ પુછતાછ કરી છે.










