ગોંડલના દંપતીએ ઇરાકના બગદાદમાં રહેતા વેપારી સાથે 1.63 કરોડની છેતરપિંડી કર્યા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.1 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


તમિલનાડુના મદુરાઈમાં રહેતા રામકુમાર નાગનાથ (ઉ.વ. 49) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને કર્તવ્ય ઇનકોર્પોરેશન પેઢીના સંચાલક સોનલ પટેલ તથા તેના પતિ પૂર્વીશ પટેલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇરાકના બગદાદમાં વાદી અલશાહદ કંપની ફોર જનરલ ટ્રેડિંગ કંપની લિમિટેડના માલિક અબ્દુલ્લા રજાક રાધીની કંપનીનું ભારતમાં લીગલ કામકાજ સંભાળે છે. ઇરાકના વેપારી અબ્દુલ્લા રાધીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, વર્ષ 2025ના પહેલા મહિનામાં તેઓને ભારતીય મોબાઈલ નંબર પરથી વોટસએપ મેસેજ અને કોલ આવ્યો હતો. કોલ કરનાર મહિલાએ પોતે સોનલ પટેલ ગુજરાતના હોવાનું જણાવ્યું હતું અને પોતે તલ તેમજ મગફ્ળીના મોટા વેપારી હોવાનું, મોટા મોટા દેશમાં વેપાર ધંધો અને એક્સપોર્ટ કરતા હોવાનું કહ્યું હતું. કંપનીના જીએસટી સર્ટી તથા એક્સપોર્ટના સર્ટી. વોટસએપ પર મોકલ્યા હતા. તેમની વાત પર વિશ્વાસ આવી જતા બગદાદના વેપારી અબ્દુલ્લાએ મગફ્ળી અને તલ ખરીદવાનું નક્કી કર્યું હતું. તા. 12/2/2025ના કોન્ટ્રાક્ટ કર્યો હતો. બગદાદના અબ્દુલ્લા રજાક રાધીએ 108 મેટ્રિક ટન મગફ્ળી માટે 1,03,680 ડોલર અને 54 મેટ્રિક ટન તલ માટે 84,240 મળી કુલ 1,87, 920 અમેરિકન ડોલર સોનલ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં માલ મોકલવા કહેતા તે બહાનાબાજી કરવા લાગ્યા હતા. જેથી તેમને કાં પૈસા પરત આપો અથવા માલ મોકલો તેમ કહેતા હું માલ મોકલી આપું છું તેમ જણાવ્યું હતું. પરંતુ પૈસા કે માલ આપ્યો નહોતો.

ઓગસ્ટમાં પોલીસમાં અરજી કરતા 3 લાખ જમા કરાવ્યા

બગદાદના વેપારીનું લીગલ કામકાજ સંભાળતા મહંમદ યુસુફ્ભાઈ અન્સારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનલ અને તેના પતિ વિરુદ્ધ અરજી કરતા સોનલે તા.5/8/2025ના મોહમ્મદ યુસુફ્ અન્સારીની પેઢી એએમબી ર્ફ્સ્મ એન્ડ ફૂડ્સ ઇન્ટરનેશનલમાં રૂ. 3 લાખ જમા કરાવ્યા હતા અને બાકીની રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી. જેથી અરજી ફાઇલ કરાવી હતી. પરંતુ ત્યારબાદ બાકીની રકમ આજદિન સુધી ન ચૂકવતા અંતે દંપતી સામે 1,87,920 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ કિંમત રૂ. 1,63,79,621ની છેતરપિંડી- વિશ્વાસઘાત કર્યા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: