દિવાળીના પાવન તહેવારો વચ્ચે સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. છેલ્લા માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ભાવમાં સીધો 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ બજારમાં વિવિધ બ્રાન્ડના સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ 3,050થી 3,100 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે, જેના કારણે ગ્રાહકોની ચિંતામાં મોટો વધારો થયો છે.
મગફળીનું ઉત્પાદન ઘટવા પાછળનું મુખ્ય કારણ ઓછો વરસાદ
આ વર્ષે સૌરાષ્ટ્રમાં સંતોષકારક વરસાદ ન થવાને કારણે મગફળીના ઉત્પાદન પર માઠી અસર પડી છે. ગત વર્ષે ગુજરાતમાં 42થી 45 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જે ઘટીને આ વર્ષે માત્ર 28થી 30 લાખ ટન આસપાસ જ સીમિત રહ્યું છે. પોરબંદરના બારાડી વિસ્તારમાંથી આવતી ઉત્તમ ગુણવત્તાવાળી મગફળીનું ઉત્પાદન પણ ખૂબ ઓછું થયું છે. બજારમાં મગફળીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાને કારણે અને સરકાર તરફથી હરાજી કરાતો સ્ટોક હાલ બંધ હોવાથી પીલાણ માટે પૂરતી આવક થઈ રહી નથી.
છેલ્લા ત્રણ વર્ષના સિંગતેલના ડબ્બાના ભાવની સરખામણી:
- વર્ષ 2023: રૂ. 2,886
- વર્ષ 2024: રૂ. 2,584
- વર્ષ 2025: રૂ. 2430
- વર્ષ 2026 (વર્તમાન): રૂ. 3,050થી 3,100 (ગત વર્ષની સરખામણીએ ડબ્બે રૂ. 600થી 700નો વધારો)
ગ્રાહકોની વેદના અને અન્ય ખાદ્યતેલોની સ્થિતિ
વધતી મોંઘવારી અંગે પ્રતિક્રિયા આપતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, એક તરફ પગાર ધોરણમાં કોઈ વધારો થતો નથી અને બીજી તરફ ખાવા-પીવાની તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી જતી હોવાથી ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે અને રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી દિવસોમાં દિવાળી બાદ પણ સિંગતેલના ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી બાજુ, સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરતા કપાસિયા, સોયાબીન અને પામોલીન જેવા અન્ય સાઇડતેલના ભાવમાં રાહત જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં આ તેલોમાં 30થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના વર્તમાન ભાવ નીચે મુજબ છે:
- કપાસિયા તેલ: રૂ.2,550થી 2,650
- સોયાબીન તેલ: રૂ.2,500
- પામોલીન તેલ: રૂ.2,300
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો