રાજકોટ શહેરમાં વાતાવરણમાં આવેલા પલટા અને લાલિયાવાડીના કારણે રોગચાળો બેકાબૂ બનતા નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ભયજનક ગણાતા ડેન્ગ્યુના 6 નવા કેસ સત્તાવાર રીતે સામે આવતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

તાવ અને શરદી-ઉધરસના હજારો કેસ નોંધાયા

શહેરમાં વાયરલ ઇન્ફેક્શનનો કેવો ભયાનક કોપ છે તેનો અંદાજ સત્તાવાર કેસોની સંખ્યા પરથી લગાવી શકાય છે. તાજેતરના રિપોર્ટ મુજબ શહેરમાં શરદી-ઉધરસના 882 કેસ અને સામાન્યથી ગંભીર તાવના 767 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અશુદ્ધ પાણી અને ખોરાકના કારણે ઝાડા-ઉલટીના 138 કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિકોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

તંત્ર દ્વારા 894 ઘરોમાં ફોગિંગ, મચ્છર ઉત્પત્તિ બદલ 238 એકમોને નોટિસ

રોગચાળાના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. મનપાની ટીમો દ્વારા કુલ 894 ઘરોમાં ફોગિંગ ડ્રાઇવ પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય, મચ્છરોના સંવર્ધન અને પોરા મળવા બદલ કડક વલણ અપનાવતા શહેરના 238 વેપારી તથા રહેણાંક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...